Thursday, 26 September 2024

મારી વાર્ષિક તીર્થયાત્રા - ૨૪/૦૯/૨૦૨૪

 

મારી તીર્થયાત્રા

સહુને માટે પોતાની આસ્થા અનુસાર પસંદગીનાં તીર્થસ્થાન હોય. તે ચાર ધામ હોય, અષ્ટ વિનાયક હોય, દ્વાદશ જ્યોતિર્લિંગ હોય કે એક કાબા કે મક્કા હોય.

મારે મન યાત્રાધામ એટલે ઝઘડિયા અને ગુમાનદેવ સ્થિત સેવા રૂરલ સંસ્થા. દર વર્ષે એક વાર તો જવું જ એમ ધારેલું છે. વધારે થઇ શકે તો તે તીર્થસ્થાને વિરાજમાન ની ક્રૃપા. વર્ષે એક વાર આ તીર્થસ્થાનમાં સંસ્કાર ની લ્હાણી થાય, જે માણસને વધુ સારા માણસ બનવાના પાઠ શીખવાડે. કોઇ પણ ઉંમરે માણસ થવાની શીખ મળે તો લેવી, તેવી ભાવના આ તીર્થસ્થાન ની યાત્રાને મારા માટે ફરજિયાત હોવાનું કારણ છે. ઉંમર એવી કાંઇ વધી નથી, પણ કુટુંબીજનોને ચિંતા ઓછી થાય એટલે ટ્રેન કે બસમાં ન જતાં ગાડી ભાડે કરવી યોગ્ય રહે અને ભાડાની ગાડી વારંવાર કરવી અઘરી. એટલે ઓછામાં ઓછું એક વાર તો જવું જ એવો નિશ્ચય.

ગઇ કાલે વહેલી સવારે યાત્રાએ નીકળ્યો. આછો ખ્યાલ તો હતો કે યાત્રામાં કપરાં ચઢાણો નહીં પણ ખેડાણો તો આવશે જ. સમયસર પહોંચી પૂરે પૂરો લાભ લેવાય તેને માટે થોડો વહેલો જ નીકળ્યો. પણ ખેડાણ ઘણાં કપરાં હતાં. દસેક કિલોમીટર રસ્તો ખેતરમાં ફેરવાઇ ગયો હોઇ, આખે આખા પહોંચાય તે માટે સમય વધારે ગયો ને પાંચ મીનીટ મોડો પડ્યો અને તેને લીધે ઘણો સંકોચ અનુભવતો ખુરશીમાં ગોઠવાઇ ગયો.

પ્રાર્થના

મને તરત જ, મેં શું ગુમાવ્યું તેનો અંદાજ આવી ગયો. સંસ્થાના દરેક કાર્યક્રમોની જેમ, સંસ્કાર સિંચન વર્કશોપની શરૂઆત પણ, કવિ શ્રી કરસનદાસ માણેકની ભાવથી પ્રચૂર પ્રાર્થના, 'જીવન અંજલિ થાજો' થી થાય. આ પ્રાર્થનાનાં સહગાનમાં ભાગીદાર થવું એ પણ એક લ્હાવો છે. સંસ્થાના દરેક કાર્યકરને આ પ્રાર્થના કંઠસ્થ. તેઓને ધ્યાન પૂર્વક સંપૂર્ણ સમર્પણના ભાવ સાથે ગાતા અનુભવવા તે, સહુ કાર્યકરોના ઈષ્ટ છે તેવા દરિદ્રનારાયણની નિકટતાના અનુભવથી ઓછું નથી. મેં તે લ્હાવો ખોયો.

વાંચન

દરેક સભામાં પ્રાર્થના પછી વાંચન અને તે વિષયની ચર્ચા હોય. હું પહોંચ્યો ત્યારે ડૉ ગાયત્રીબ્હેન અત્યંત મ્રૃદુ સ્વરે, શાંતિપૂર્ણ રીતે, જરૂર પડે રોકાતાં, સહુને સમજાયું છે તેવું નક્કી કરતાં, ડૉ વિજળીવાળાના વાર્તા સંગ્રહ 'સાઇલન્સ પ્લીઝ' માંથી, સત્ય ઘટનાને આલેખતો, લેખ "હુંડી" વાંચતાં હતાં. હાજર રહેલા પચાસે પચાસ કાર્યકરો ધ્યાન પૂર્વક સાંભળતાં હતાં. સમજતાં હતાં અને વિચાર વિસ્તાર પણ કરતાં હતાં.

વાત હતી એક છેવાડાના ખેતમજૂરના જીવન સંઘર્ષ ની.

વાત હતી એવા વંચિતની નિસ્વાર્થ સેવાની.

વાત હતી અતિ ગરીબની પ્રામાણિકતાની. 

વાત હતી એ ખુમારીની કે યાતના સહન કરતાં પણ અણહક્કનું લેવું નહીં.

વાત હતી પરમ ક્રૃપાળુ ઈશ્વર ઉપરના વિશ્વાસ ની કે સદાચારીને જરૂર પડે તે મદદ કરશે જ.

સંસ્થાનાં નાનાં મોટાં સહુ મને સહજ રીતે પ્રિય છે. તેનું મુખ્ય કારણ અપ્રતિમ નમ્રતા, સહજ રીતે દર્શન થાય તેવી અનુકંપા અને કરૂણા, અને એક બીજા પ્રત્યે નિખાલસતાથી ભરપૂર આદર છે. વાંચનને અંતે, લેખમાંથી મળેલી શીખની ચર્ચા થઇ. ગાયત્રીબ્હેને હાજર સહુને લેખમાં વર્ણન કર્યા છે તેવા પોતાના અનુભવો હોય અને કહેવા હોય તો કહેવા આમંત્ર્યાં.

બહેનો અને ભાઇઓએ પોતાના અનુભવો, કુટુંબીજનોમાં પ્રવર્તમાન હોય તેવા વિશ્વાસ સાથે વર્ણવ્યા અને સહુએ કુટુંબીજનોમાં અનુભવી શકાય તેવી અનુકંપા દર્શાવતાં સાંભળ્યા. અન્યોનાં દુ:ખમાં દુ:ખી થતા સહકાર્યકરો મેં જોયા. જ્યારે આપદાઓ ની વાત થઇ ત્યારે હાજર સમૂહ માંનાં ધણાની આંખો ભીની થતી જોઇ. ઇશ્વરની ક્રૃપા અને સાથીઓની મદદની વાત થઇ ત્યારે સહુને હર્ષોલ્લાસથી ઋણ સ્વીકારતાં જોયાં.

પરિચય

પ્રશિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા સાથે સંકળાયેલ હોઇ તાલીમના કાર્યક્રમો કે કાર્યશાળાનું આયોજન, નિરુપણ અને વિગતવાર રચના, કેટલી કુનેહ માગી લે તે બાબતનો આછો ખ્યાલ છે. તેમાં પણ કાર્યશાળા બધા જ કાર્યકરોને આવરી લે તેવી ડિઝાઇન કરવાની હોય તો લગભગ મહાયજ્ઞ નાં આયોજન જેવી શક્તિ જોઇએ, કારણ કાર્યકરોનાં શૈક્ષણિક સ્તરમાં ઘણો મોટો તફાવત ધ્યાનમાં રાખવો પડે અને તે છતાં સહુને રસ પડે અને સહુ ભાગીદાર થઇ શકે તેવી રચના કરવી પડે. તેમ છતાં જેઓને માનવ સંસાધન (એચ આર) વિષય અને ક્ષેત્ર સાથે દૂરનો પણ સંબંધ નથી તેવા અન્ય ક્ષેત્ર ના નિષ્ણાત ટ્રેનરોને કાર્યશળાનું સફળ સંચાલન કરતાં જોઇને મનોમન નમન કર્યા વગર રહી શકાતું નથી.

વાંચન, ચિંતન અને મનન પછીનાં સત્રમાં સહભાગી કાર્યકરોની, ગમ્મત સાથે ઓળખાણ માટે રમતો રમાઇ. બધાં જ વર્તુળાકારે ગરબા કરી નજીક આવ્યાં. ત્યાર બાદ અત્યંત મજેદાર રીતે નાનાં નાનાં ગ્રુપમાં વહેચાયાં.  નિષ્ણાત સહાયકોએ સમૂહમાં એક બીજા નો પરિચય આપવા અને લેવા માટે ગાઇડ કર્યાં. પહેલા તબક્કામાં ગ્રુપનાં સભ્યોએ એક બીજાની આવડતો, વિશેષતાઓ વિષે માહિતી મેળવી. બીજા તબક્કામાં ગ્રુપમાં સહુએ સંબંધો વિષે ચર્ચા કરી પોતાના એવા સંબંધો જેમાં સંપૂર્ણ વિશ્વાસ મુકી શકાય તેવા, અને જે સંબંધો સાથે કડવાં સંસ્મરણો જોડાયેલાં છે તેવા સંબંધો વિષે વાત કરી. આ પ્રવ્રૃત્તિ ને બીજાં સત્ર સાથે સાંકળવાની છે તે પણ સમજ નિષ્ણાતોએ આપી જેથી સાતત્ય જળવાઇ રહે.

સંસ્થાનાં મૂલ્યો માંનું એક 'કુટુંબ ભાવના' છે. કુટુંબની રચના સંબંધો પર આધારિત છે. માનવ સંબંધો અંગેની રસ સભર માહિતી અને સંબંધોને મજબૂત બનાવવા અને સાચવવા માટે જરૂરી સમજને હું સંસ્કાર સિંચન સાથે જોડી શક્યો. એક બીજાની વિશેષતાઓ ને જાણી અને સરાહીને પ્રોત્સાહિત કરવાથી કુટુંબભાવના દ્રઢ થાય છે તેવો સંદેશ પણ સ્પષ્ટ હતો.

કેસ સ્ટડી

સંસ્થાનું મીશન, ગરીબોનું કામ, મૂલ્યો આધારિત કામ અને કાર્યકરો નો સર્વાંગી સ્વવિકાસ, સંસ્થાની ધૂરી છે. અત્યંત ગરીબનું કામ કરવાનાં મીશન ને પ્રાપ્ત કરતાં જાળવવા નાં મૂલ્યો પ્રામાણિકતા, પારદર્શિતા, સમાનતા, સર્વ ધર્મ સમભાવના અને રાજકીય નિષ્પક્ષતા, સંસ્થાની કોઇ પણ ભોગે તબદીલ ન કરી શકાય તેવી દ્રઢ માન્યતા અને કાર્યપદ્ધતિ છે. સાંપ્રત સમાજ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી પ્રેરિત, આવાં મૂલ્યો સાથે ઓછો તાલમાં છે. અને તેથી સંસ્થા માટે આ સંસ્કારોનું સિંચન અને દ્રઢિકરણ, પાયાની અને અત્યંત જરૂરી પ્રક્રિયા છે. આ બાબત ત્રીજાં સત્રની સંરચનામાં સ્પષ્ટ થઈ.

સત્રના પ્રારંભમાં કાર્યકરોને મીશન અને મૂલ્યો કેટલાં આત્મસાત્ છે તેનું પરિક્ષણ થયું અને તેઓ એ પરિક્ષણમાં ખરા ઉતર્યા. કાર્યકરોમાંના મોટા ભાગના શૈક્ષણિક દ્રષ્ટિએ બહુ શિક્ષિત કહી ન શકાય તો પણ સંસ્થાનાં મીશન અને મૂલ્યોને આટલી સહજતાથી કહી શકતા કાર્યકરો, ઘણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં સંસ્થાનોમાં પણ સહેલાઇથી જોવા ન મળે. સંસ્થાની પ્રગતિ અને ખ્યાતિનું આ કારણ હોઇ શકે. (સંસ્થાની પ્રગતિમાં ભૌતિક ઉદાહરણ રૂપે હોલમાંનો ટચ સ્ક્રીન બોર્ડ જોઇને હું ઘણો પ્રભાવિત થયો.)

મીશન અને મૂલ્યોનાં પુનરાવર્તન પાછળનું કારણ ત્યારબાદ ની પ્રવ્રુત્તિ હતી. મીશન અને મૂલ્યોનું જતન કાર્ય સ્થળે કરવાની તકો કેવી રીતે ઉભી હોય છે તેના દાખલા રૂપે પાંચ ઘટનાઓને આલેખતી નોંધ બનાવેલી હતી. સહુ કાર્યકરોને પાંચ ગ્રુપમાં વહેંચી દેવાયા અને મયંકભાઇ, શોભાબ્હેન, ગાયત્રીબ્હેન, જાગ્રુતીબ્હેન અને જૈમિતભાઇની મદદથી એક એક ઘટનાની વિસ્ત્રુત ચર્ચા કરી પૂછેલી બાબતો વિષે ગ્રુપના વિચારો પ્રસ્તુત કરવાની કામગીરી સોંપાઇ. ચર્ચાના વિષયો અને ઘટનાઓ, નીચે મુજબ, મીશન અને મૂલ્યોને આવરતા હતા.

1.        ગરીબોનું કામ,

2.        પ્રામાણિકતા,

3.        સ્વવિકાસ ની તકો,

4.        ટીમ વર્ક, અને

5.        ચારિત્ર્યશીલતા.

કાર્યકરોએ દરેક મુદ્દાની ઝીણવટભરી ચર્ચા કરી અને ગ્રુપના તારણો પૂછાયેલા સવાલના જવાબ રૂપે પ્રસ્તુત કર્યા. પ્રસ્તુતિ ઉપરથી સ્પષ્ટ જણાયું કે, કાર્યકરો મીશન અને મૂલ્યોને સાચી રીતે સમજ્યાં છે. દરેક બાબત પોતાના કાર્યમાં કેવી રીતે સંકળાયેલ છે તેની તેઓને જાણ છે.

દાખલા રૂપે: જો નવા નીમાયેલ વોચમેન ભાઇ એમ કહે કે "મને સુચના છે કે મારે મારી કામની જગ્યાએ થી દૂર જવું નહીં. પરંતુ કોઇ ગરીબ, અશક્ત અને અજાણ દર્દી આવે તો હું તેને વ્હીલ ચેર કે સ્ટ્રેચરની વ્યવસ્થા કરી ઇમર્જન્સી એરિયામાં પહોંચાડીશ. ભલે તે સુચનાની અવગણના કહેવાય. ગરીબને મદદ સંસ્થાનું મીશન છે, સુચનાઓની જટીલતા નહીં”, કે કોઇ કાર્યકર એમ કહે કેચારિત્ર્યશીલતા સંસ્થાનાં મૂલ્યોમાંનું એક છે તેથી અપેક્ષા મુજબ વાણી અને વર્તન સંસ્થાની બહાર હોઇએ તો પણ દાખવવી જરૂરી છે, કારણ દરેક કાર્યકર સમાજમાં હરતું ફરતું સેવા રૂરલ છે”, તો, સંસ્કારોનું સિંચન અને દ્રઢિકરણ થઇ રહ્યું છે તે બાબતનો સંતોષ સંસ્થાના વડીલો લઇ શકે.

સંબંધો

કાર્યશાળાનાં છેલ્લાં સત્રમાં કોકીલાબ્હેને માનવ સંબંધો વિશે ઘણી સરળ પણ સચોટ શીખ, રમત અને વાર્તાઓના સહારે આપી. પરિચય સત્રના અનુસંધાને સંબંધોની દ્રઢતા માટે અન્યની વિશેષતાઓ ખોળવા અને પારખવા ઉપર ભાર મુક્યો. અને આમ કરવું કેટલું સરળ છે તે "પથ્થરને ઓળખો" રમતથી શીખવ્યું.

કાર્યકરોને વર્તુળ આકારે બેસાડી કોકીલાબ્હેને સહુને રમતના નિયમ સમજાવ્યા અને સહુને મનગમતો એક પથ્થર શોધી લાવવા કહ્યું. સહુએ પોતાના પથ્થરનું નિરિક્ષણ કરી લીધા પછી બધા પથ્થર ભેગા કરી દીધા. ત્યાર બાદ પથ્થરોને એક એક કરી સહુને બતાવી પોતાનો પથ્થર રાખી લેવા જણાવ્યું. એક રાઉન્ડ પુરો થતાં ચાર સિવાય ના બધાંએ પોતાનો પથ્થર ઓળખી લીધો.

ત્યાર બાદ સહુને વધુ ચોકસાઇ પૂર્વક નિરિક્ષણ કરવા જણાવ્યું કારણ હવે સહુએ પથ્થરને બંધ આંખે ઓળખવાનો હતો. આ વખતે પણ લગભગ બધાં પોતાના પથ્થરને સ્પર્શ, આકાર અને વજનના અંદાજે ઓળખી શક્યાં.

રમતને અંતે સહુ સમજ્યાં કે દરેક વ્યક્તિને આગવી વિશેષતાઓ હોય છે. આપણે વ્યક્તિની ત્રુટિઓ કરતાં વિશેષતાઓ અને ખૂબીઓ તરફ ધ્યાન કેંદ્રિત કરીએ તો તેમની સાચી ઓળખ મેળવી સંબંધોને બાંધી અને દ્રઢ કરી શકીએ.

ત્યાર બાદ ટુંકી વાર્તાઓ અને પ્રસંગો દ્વારા સંબંધોની જાળવણી માટે સલાહ મળી જેમ કે,

·        ગેરસમજ કે ઉતાવળે બાંધેલાં અનુમાન સંબંધમાં કડવાશ લાવે છે,

·        અધિકારનો આગ્રહ સંઘર્ષ નોતરે છે,

·        ભૂતકાળના કડવા અનુભવોની સ્મ્રુતિ સંબંધને સુધારવા માં અડચણ બને છે,

·        આક્ષેપબાજી સંબંધોને વણસાવે છે,

·        એક બીજાને અનુકૂળ થવાના પ્રયાસો સંબંધમાં મીઠાશ લાવે છે,

·        સંબંધને ટકાવવા માટે કંઇક જતું કરવાની તૈયારી જરૂરી છે,

·        સંબંધને ટકાવવા ખુલ્લા દિલનો સંવાદ મદદ કરે છે,

·        આદર અને માન સંબંધને પૂર્ણતા આપે છે.

ગુમાનદેવથી વર્કશોપ પુરો થાય તે પહેલાં, નીકળી જતાં ક્ષોભ અનુભવતો હતો. પણ પાછાં કપરાં ખેડાણ અંધારાં પહેલાં કરી લેવાની જરૂરિયાતને ધ્યાનમાં લઇ, પ્રિય જનોની રજા લઇ પરત મુસાફરી શરુ કરી. વડોદરા પહોંચતાં સુધી, આખા દિવસ દરમિયાન સારા માણસ બનવા માટે મેળવેલી શીખની યાદી બનાવવા પ્રયત્ન કર્યો, પણ સમય ઓછો પડ્યો. 

આવતા વર્ષે ફરી સંસ્કારોની લ્હાણી લેવા આવવું જ છે તે નક્કી.


5 comments:

  1. અદભૂત અનુભવ..હું માનવી માનવ થાઉં તો ઘણું...આ સાદગી ભરેલ સૂત્ર મોટાભાગ ના સમજી શકતા નથી ને પોતાના પ્રભાવક્ષેત્ર નુ વાતાવરણ દુષિત કરવામા નિમિત્ત બને છે. જેટલો ઉંચો આવા વ્યકતિત્વ નો વ્યાપ તેટલી મોટી પ્રદુષિત ત્રિજયા..સંસ્થા નુ ઉમદા કાર્ય

    ReplyDelete
  2. અતિ સુંદર રજૂઆત. લાગણીઓને શબ્દોમાં મૂકી તાદ્રશ્ય ( live) માણતા હોય એવું લાગ્યું . સેવા રૂરલ સંસ્થાના ઉમદા કાર્યો થકી સમાજનાં અતિ ગરીબ સુધી પહોંચવાનાં અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસના પ્રયત્નોમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે એવી આપણાં સૌની શુભ ભાવના અને શુભેચ્છા .👍🙏💐.

    ReplyDelete
  3. આ વર્ષે નહીં જોડાઈ શકાયું આ સંસ્કાર સિંચન વર્કશોપમાં. તમારા આ વિસ્તૃત બ્લોગ વડે મને તેની સરસ માહિતી મળી.
    આભાર

    ReplyDelete
  4. આભાર અતુલભાઈ ! મારાથી આ વર્ષે આ વર્કશોપ attend ના થઈ શક્યો. તમારું વર્ણન વાંચીને બહુ સારું લાગ્યું.

    ReplyDelete
  5. વિક્રમ વાંસદિયા
    અતુલભાઈ , નમસ્તે
    તમે વર્કશોપ નો વિગતે ભાવવાહી ચિતાર રજૂ કર્યો. તે વાંચી સાચે જ અમે તીર્થ સ્થાનમાં વસીએ છીએ તેવી આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે
    આભાર.

    ReplyDelete