Saturday 30 September 2023

પરિવર્તન અને જીવનનાં મૂલ્યો

આજે તો સવારથી ગુજરાતીમાં, ગુજરાતીઓ વિશે, ખાસ અમદાવાદીઓ વિશે વિચાર આવે છે તો થયું કે ગુજરાતીમાં જ ટપકાવવા દે. આમે અમદાવાદમાં ગુજરાતીનું ચલણ વધારે, એટલે લોકોને અંગ્રેજી ન આવડે એવું નહીં, પણ નવા શ્રેષ્ઠીઓ જમીન સાથે જોડાયેલા હોઇ તેઓને ગુજરાતીમાં ખેડવાનું ફાવે.

સામાન્ય રીતે દિવસની શરૂઆત સારાં સંગીત થી કરવી એવી કોશિષ ખરી. એમાં મદદરૂપ થાય એક સંગીતરસિયાઓ નું ગ્રૂપ. આજે સવારે આ ગ્રૂપમાં શેર કરાયેલો એક વિડિયો જોયો.

વક્તા હતાં જન્મે મરાઠી પણ ગુજરાતી સહિત અનેક ભાષાઓ માં જે કુટુંબે ઉત્ક્રુષ્ટ રચનાઓ આપી છે, તેમાંનાં એક આશા ભોસલે. તેઓ અવિનાશભાઇ વ્યાસ અને તેમની સાથે કરેલાં સંગીતનાં સર્જનની વાત કરતાં હતાં. સંગીતમાં રૂચિ હોય તેઓને ગમતી વાતો હતી.

મંચ ઉપર ગુજરાતનાં મહિલા મુખ્યમંત્રી ઉપરાંત એક સ્થૂળ કાય વ્યક્તિ આંખમાં ખટકી. અને ત્યાંથી શરુ થઇ વિચારોની વણઝાર.

એ ભાઇની નિપુણતા જમીન સંપાદન બાબતે છે એ જાહેર માહિતી છે. તેઓએ ગુજરાત નાં એક નંબરનાં  ઔદ્યોગિક ગૃહને અમાપ જમીન સંપાદન કરી આપીને સંપત્તિ અને પ્રતિષ્ઠા બંને અર્જિત કર્યાં છે તેવી માહિતી પણ છે. આ ભાઇએ પહેલાં એક ગરીબ અને પછી એક વિકસિત રાજ્યમાંથી, રાજ્યસભાનું સભ્ય પદ, મારી ધારણા મુજબ ખરીદ્યું છે. સામાજિક કે સંગીતનાં ક્ષેત્રે તેમનાં યોગદાનનાં પ્રશસ્તિગાન રચાયાંની કોઇ માહિતી નથી. તો આ ભાઇ સંગીતને લગતા કાર્યક્રમમાં શું કરતા હશે તે સવાલ થાય તે સ્વાભાવિક છે.

આમ તો અમદાવાદમાં જન્મ્યો પણ અમદાવાદ છોડી વડોદરામાં સ્થાયી થયે ૫૦ વર્ષ થયાં. અન્ય કુટુંબીજનો અમદાવાદમાં હોઇ ત્યાં જવાનું તો થાય પણ ત્યારે માહિતી અને અનુભવો કુટુંબ પાસેથી મળે અને તેથી મોટે ભાગે સુખદ હોય. તેથી અમદાવાદ સાથેનાં સંભારણા સ્થાનિક સમાજ (જે પહેલાં વણિક વ્યાપારી મૂળનો હતો તે સમાજ) નાં મૂલ્યો અને લાક્ષણિકતાઓથી પ્રભાવિત હતાં.

હમણાં જ અમદાવાદમાં થોડાં લાંબા રોકાણ દરમિયાન મળેલી વિસ્ત્રુત માહિતી પરથી સમજાયું કે અમદાવાદ હવે કસ્તુરભાઇ લાલભાઇ કે અંબાલાલ સારાભાઈ કે મદનમોહન મંગળદાસ જેવા સમાજસેવી શ્રેષ્ઠીઓ વાળું નથી રહ્યું. હવે અમદાવાદ, તેને વિકાસને નામે સીમેન્ટનાં જંગલમાં રૂપાંતર કરવા વાળા બિલ્ડરોનાં મૂલ્યોથી આચ્છાદિત અમદાવાદ થઇ ગયું છે. કાપડની મીલો રોજગાર આપતી. બિલ્ડરો હંગામી મજૂરી જ આપે છે અને પોતે માલેતુજાર બને છે.

ગાંધીજી, રવીશંકર મહારાજ, મોરારજીભાઇ કે જીવરાજભાઇ એ જેને વિકાસ માન્યો તે વ્યાખ્યા છેલ્લાં ૫૦ વર્ષોમાં બદલાએલી જણાઇ. વિકાસ, આડેધડ ઉભાં કરાયેલાં મકાનો, ગરીબોને વિસ્થાપિત કરી બનાવાયેલા હલકી ક્વોલિટીના રસ્તાઓ અને ફ્લાયઓવરો, પૂતળાંઓ અને રંગબેરંગી બત્તીઓ દ્વારા વ્યાખ્યાયિત થયો જણાયો. આવા વિકાસને પોષવા ટાઉન પ્લાનિંગ ના કાયદાઓને અણદેખા કરવા પડ્યા હશે અને સરકારી જમીનને સુયોજિત રીતે લુંટાવવી પડી હશે તેવું અનુમાન વ્યાજબી લાગ્યું. જમીન સંપાદન અને જમીનનો વેપાર સમાજના એવા વર્ગ પાસે સરકેલો લાગ્યો જેમની પારંગતતા શામ, દામ, દંડ કે ભેદથી જમીન સંપાદન માં હશે. સરકારના મહેસૂલ વિભાગના અધિકારીઓએ તે વેપારને બેમૂલ્ય કરવામાં સક્રિય ભાગ ભજવ્યો હશે.

આ વિકાસની કિંમત અમદાવાદ નાં સામાન્ય નાગરિકોએ મૂલ્યો નાં અધ:પતનથી ચૂકવી જણાઈ. સમાજમાં પ્રવર્તમાન માન્યતા એવી જણાઇ કે, દરેક ચીજને, પછી તે પદાર્થ હોય કે સેવા હોય કે નિયમો કે લાગણીઓ હોય, એક કીંમત હોય છે અને દરેક ચીજ એ કીંમત આપીને ખરીદી શકાય છે. પૈસો આવડતનું માપદંડ બનેલો જણાયો. આદિ કવિ નરસિંહે ગાયેલાં વૈષ્ણવ જનનાં લક્ષણો કે મહાત્મા ગાંધીએ ગણાવેલાં અગિયાર મહાવ્રતોનું પાલન આદર્શ છે, તેવું જે અમદાવાદે શાળામાં ગાંધી ટોપી પહેરીને ભણાવતા શિક્ષકો દ્વારા શીખવ્યું તે અમદાવાદી સમાજનાં મૂલ્યોનો હ્રાસ, સામાજિક પરિવર્તન કહેવાય?

પછી માન્યું કે પરિવર્તન કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે. માનવ-સમાજ પણ પ્રકૃતિનો જ એક ભાગ હોવાથી માનવ-સમાજમાં આવતું સામાજિક પરિવર્તન કુદરતી કે સ્વાભાવિક છે. સમાજ કે સામાજિક જીવનમાં, તેના સ્વરૂપ, સંગઠન અર્થાત્ રચના અને કાર્ય, વ્યવસ્થા, સંસ્થાઓ, મૂલ્યો, આદર્શો, વ્યક્તિઓ તથા તેમનાં વલણો વગેરેમાં આવેલું અને આવતું પરિવર્તન સામાજિક છે. આવું પરિવર્તન ભૌગોલિક સ્થિતિના બદલાવથી કે નવાં સાધનો કે નવી શોધોને અપનાવવાથી કે વસ્તીની રચના કે એ અંગેની વિચારધારાના પરિવર્તનને લીધે કે સંચાર-માધ્યમોના વ્યાપક પ્રસારને કારણે આવ્યું હોય, પણ જો આવો ફેરફાર સમાજમાં પરિવર્તન સૂચવતો હોય તો તે સામાજિક પરિવર્તન છે. મનમાં જાગેલો સવાલ એ હતો કે શું દરેક પ્રકારનું પરિવર્તન ઇચ્છનીય છે? ભલે પરિવર્તન એ કુદરતનો અપરિવર્તનશીલ નિયમ હોય!!

પછી હંમેશની જેમ આતર્મુખ થઇ જઇ જાતને સવાલ પુછ્યા. શું આવું પરિવર્તન મારામાં પણ આવ્યું છે? લાંબા સમય સુધી પબ્લિક સેક્ટરના ઔદ્યોગિક સંસ્થાનમાં પ્રામાણિક પણે, ખાનગી વેપારી કંપનીઓનાં પગાર ધોરણની આકાંક્ષા રાખ્યા વગર, આનંદથી કામ કર્યા બાદ ઉતરતી ઉંમરે, શું મેં પણ કામના મૂલ્ય ની બદલે કીંમતને પ્રાધાન્ય આપ્યું છે? દ્રવ્યોપાર્જન જીવનનો મંત્ર હતો નહીં, જો હોત તો જ્યારે માલેતુજાર શેઠે સરકારી નવરત્નોમાંનાં એકને કબજે કર્યું ત્યારે તે શેઠની નોકરી કરી ઉંચા પગાર મેળવ્યા હોત, કદાચ!! સવાલ એ હતો કે, તો પછી શું અત્યારે હું મૂલ્યવાન કામ કરું છું કે કીંમત વસુલ કરું છું?

આવા વિચારો વચ્ચે, વંચિત અને છેવાડાના સમાજનાં બાળકોનાં ભણતર અને ઘડતરમાં ૩૦ વર્ષ થી સમર્પિત સંસ્થાના કાર્યકરો ને મળવાનું અને સાંભળવાનું થયું. શેષ જીવનમાં ઉપયોગી થાય તેવું ઘણું શીખવા મળ્યું. એક વિચાર મારાં કામમાં મદદ થાય તેવો સાંભળ્યો. "બાળકોને ઉડવા પાંખ આપો, દોડવા પગ મજબૂત કરો, ગતિ આપો, દિશા એમને નક્કી કરવા દ્યો!!"

મૂલ્યો અંગેની વૈચારિક ભાંજગડને આરામ આપવો જરૂરી છે એમ માની, જો હું એમ નક્કી કરું કે જીવનના બાકી રહેલા સમયમાં, મારા વ્યાવસાયિક કે સામાજિક દાયરામાં આવતાં બાળકોને હું બદલાની આશા વગર, ગતિ આપવા પ્રયત્ન શીલ રહીશ, અને જીવન નિર્વાહ ની આર્થિક જવાબદારી પ્રભુ ઉપર છોડીશ, તો તે વ્યાજબી ગણાશે!!! 

1 comment:

  1. Khub j saras, parivartan, chokkas jaruri che, ne sweekarya gatividhi o ma thi che......arthik uparjan na strot pacchal matr bhagya kari, man ne gamtu, samaj ne upyogi ne samaj ne parat aapvu e Bhavana thi karya karvu ke pravruti karvi e Sahu thi motu parivartan che.....matr teni vaat, ke vyap n kari achran ma muki kai pan karvu e prashansniya che.....je tame SEWA jevi sanstha sathe jodai karo cho.....that really is change. With your kind of qualification, vast experience and knowledge you are giving back to the society. That itself is the acceptance of CHANGE.

    ReplyDelete